લંડનમાં ભારતીય હાઇ કમિશન પર હુમલાના સંદર્ભમાં એનઆઇએ દ્વારા 31 સ્થળે દરોડા

પંજાબ અને હરિયાણામાં કાર્યવાહી દરમિયાન આરોપીઓ સાથે સંકળાયેલો ડિજિટલ ડેટા મળી આવ્યો

Tuesday 08th August 2023 11:05 EDT
 

લંડનઃ ભારતની ટોચની તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ) દ્વારા માર્ચ 2023માં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન પર ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા કરાયેલા હુમલાના સંદર્ભમાં ભારતના પંજાબ અને હરિયાણામાં 31 સ્થળે દરોડા પડાયા હતા. હાઇ કમિશન પરના હુમલાના કાવતરાને ઉઘાડું પાડી દોષીઓને સજા અપાવવા માટે આ કાર્યવાહી કરાઇ હતી. આ દરોડામાં એનઆઇએના અધિકારીઓએ હુમલામાં સંડોવાયેલા આરોપીઓને સંબંધિત માહિતી ધરાવતો ડિજિટલ ડેટા જપ્ત કર્યો હતો. કેટલાક ઉશ્કેરણીજનક દસ્તાવેજો અને પુરાવા પણ પ્રાપ્ત થયાનો દાવો એનઆઇએ દ્વારા કરાયો છે.

એનઆઇએએ જણાવ્યું હતું કે, પંજાબના મોગા, બરનાલા, કપુરથલા, જલંધર, હોંશિયારપુર, તરનતારન, લુધિયાણા, ગુરદાસપુર, એસબીએસ નગર, અમૃતસર, મુખ્તસર, સંગરૂર, પતિયાલા અને મોહાલી જ્યારે હરિયાણાના સિરસામાં દરોડાની કાર્યવાહી કરાઇ હતી.

એનઆઇએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે હુમલાના કાવતરાખોરોને ઝડપી લેવા માટે તમામ પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે ભારત અને વિદેશમાં રહેલા તેમના સહયોગી અને સમર્થકોને પણ શોધી રહ્યાં છીએ. આ પ્રકારે સુરક્ષાના ઉલ્લંઘનનું પુનરાવર્તન ન થાય તે માટે અમે વ્યાપક તપાસ કરી રહ્યાં છીએ.

યુકે સ્થિત એનજીઓ ખાલસા એઇડ અને અન્ય ખાલિસ્તાનીઓના ભારત સ્થિત ઠેકાણા નિશાન પર

એનઆઇએએ મુખ્યત્વે યુકે સ્થિત વિવાદાસ્પદ એનજીઓ ખાલસા એઇડ ઇન્ડિયા ચેપ્ટરને નિશાન બનાવી હતી. પતિયાલામાં સ્થિત આ સંસ્થાના બે ઠેકાણા પર કાર્યવાહી કરાઇ હતી. તે ઉપરાંત મોહાલીમાં ખાલિસ્તાન ટાઇગર ફોર્સના આતંકવાદી પરમજિત સિંહ પમ્માના નિવાસસ્થાને દરોડો પાડી તેના માતાપિતાની પૂછપરછ કરાઇ હતી. ખાલસા એઇડના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, આ દરોડા પાછળનું કારણ સ્પષ્ટ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter