લંડનમાં હાઇ કમિશન ખાતે વિભાજનની વસમી યાદોને તાજી કરાઇ

આપણે મહામૂલી માનવ જિંદગીના ભોગે આઝાદી મેળવી છેઃ દોરાઇસ્વામી

Tuesday 15th August 2023 12:19 EDT
 
 

લંડનઃ લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે 77મા આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ 14મી ઓગસ્ટના રોજ વિભાજનની ભયાનક સમૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. તેમાં ભારતના વિભાજન સમયે લોકો દ્વારા અપાયેલા બલિદાન અને દર્શાવાયેલી સહિષ્ણુતા દર્શાવતું ફોટો પ્રદર્શન આયોજિત કરાયું હતું. તે ઉપરાંત સંગીત અને કાવ્ય પઠન દ્વારા વિભાજનની યાદોને તાજી કરાઇ હતી.

આ સમારોહમાં હાજર રહેલા ભારતીય સમુદાયના અગ્રણીઓ દ્વારા ભૂતકાળની પીડાદાયક ઘટનાઓને યાદ કરાઇ હતી અને એક મિનિટનું મૌન પળાયું હતું. આ પ્રસંગે ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, આપણી આઝાદીની ઉજવણી અને આનંદમાં હંમેશા મિશ્ર પ્રતિભાવો રહેલાં છે કારણ કે આપણે મહામૂલી માનવ જિંદગીઓના ભોગે આ આઝાદી હાંસલ કરી છે. આજની પેઢીને આઝાદી કઇ કિંમતે હાંસલ થઇ છે તે સમજાશે નહીં. આપણા ઘરો, ગામો, નગરોના વિભાજન બાદ આઝાદી મળી છે. કોઇપણ વાંક વિના લાખો લોકો વિસ્થાપિત થયાં હતાં. માનવ ઇતિહાસની સૌથી મોટી કરૂણાંતિકાઓ પૈકીની આ એક કરૂણાંતિકા હતી.

આ પ્રસંગે વંદેમાતરમનું વાયોલિન પર વાદન કરાયું હતું. બ્રિટિશ ભારતીય ફિલ્મ નિર્માતા લલિત મોહન જોશીએ ડો. ગૌતમ સચદેવની કવિતાઓનું પઠન કર્યું હતું. ડો. હિલાલ ફરીદે ગઝલો રજૂ કરી હતી. આ પ્રસંગે વિભાજનના સાક્ષી એવા 90 વર્ષથી વધુ વયના શકુંતલા કૌશલ, બ્રિજ મોહન ગુપ્તા હાજર રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter