લંડનઃ એકતરફ 29મી ઓગસ્ટથી લંડનના તમામ બરોમાં ઉલેઝનું વિસ્તરણ થઇ રહ્યું છે ત્યારે પાર્કિંગ દંડમાં 25 ટકા સુધીનો વધારો કરવાની યોજના પર ભારે વિરોધવંટોળ સર્જાયો છે. લંડનની કાઉન્સિલો દ્વારા પાર્કિંગ ફીમાં બદલાવ માટેની ચર્ચાઓ ચાલી રહી છે. જેના કારણે પાર્કિંગ દંડમાં 25 ટકા સુધીનો વધારો થઇ શકે છે. પાર્કિંગ દંડમાં કેટલો વધારો થશે તે નિશ્ચિત નથી પરંતુ તાજેતરમાં જ ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા 23 ટકાના વધારા સાથે પાર્કિંગ દંડ 130 પાઉન્ડથી વધારીને 160 પાઉન્ડ કરી દેવાયો છે.
તે ઉપરાંત બસ લેન અથવા તો બોક્સ જંકશનમાં વાહન ચલાવવા માટેના દંડમાં પણ વધારો થઇ શકે છે. તે ઉપરાંત ક્લેમ્પિંગ અને વ્હિકલ રિમૂવલ જેવી અન્ય પાર્કિંગ ફીમાં પણ અસર થઇ શકે છે. વાહન ચાલકોના સંગઠને યેન કેન પ્રકારે વાહનચાલકો પાસેથી નાણા ખંખેરવાની યોજનાઓની આકરી ટીકા કરી છે.
એએના લૂક બોસડેટે જણાવ્યું હતું કે, લંડનની કાઉન્સિલો અને ટીએફએલ વાહનચાલકો પાસેથી નાણા ખંખેરવા નીતનવા રસ્તા શોધતાં રહે છે. પોલિસી ફોર આરએસનના વડા સાયમન વિલિયમ્સે જણાવ્યું હતું કે, કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના સમયમાં આ પ્રકારે દંડની રકમ વધારવા મને કોઇ વ્યાજબી કારણ દેખાતું નથી.


