લંડનઃ ટિક ટોક સ્ટાર મહેક બુખારી અને તેની માતા અન્સરીન બુખારીને લેસ્ટરની ક્રાઉન કોર્ટ દ્વારા ફેબ્રુઆરી 2022માં હાઇ સ્પીડ કાર ચેઝમાં સાકિબ હુસેન અને મોહમ્મદ હાશિમ ઇજાઝુદ્દિનની હત્યા માટે દોષી ઠેરવી છે. 11 ફેબ્રુઆરી 2022ના રોજ એ46 પર થયેલા કાર અકસ્માતમાં સાકિબ અને હાશિમના મોત થયાં હતાં. સાકિબ બેનબરીથી લેસ્ટર તેના મિત્રને મૂકવા જઇ રહ્યો હતો. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, મહેક અને તેની માતા સાકિબને મળવા ગયા હતા. સાકિબ મહેકની માતાનો પ્રેમી હતો અને તેની પાસે રહેલા અશ્લીલ વીડિયો અને તસવીરોના આધારે મહેકની માતાને બ્લેકમેઇલ કરી રહ્યો હતો. સાકિબના ફોનમાંથી વીડિયો અને તસવીરો ડિલીટ કરાવવા માટે મહેકે કેટલાક લોકોને રોક્યા હતા અને તેઓ તેમની સાથે લડાઇ કરવા ગયા હતા. સાકિબ અને હાશિમ સુપર માર્કેટ પહોંચ્યા ત્યારે આઠ જેટલા લોકોએ તેમનો પીછો કરતાં તેઓ નાસી છૂટ્યા હતા. મધરાત બાદ દોઢ કલાકે તેમની કારનો અકસ્માત થયો હતો જેમાં બંનેના મોત થયાં હતાં. મોત પહેલાં હુસેને પોલીસને જણાવ્યું હતું કે, બે હુમલાખોરોએ અમારો પીછો કર્યો હતો અને અમારી કારને ટક્કર મારી હતી.


