લંડનઃ લેસ્ટરના પૂર્વ આસિસ્ટન્ટ મેયર રીટા પટેલે નવા રાજકીય પક્ષની રચના કરી છે. વન લેસ્ટર નામની આ રાજકીય પાર્ટીએ જણાવ્યું છે કે અમે લેસ્ટર શહેરની આવતીકાલને સારી બનાવવા અને રાજકારણમાં પ્રવર્તતા ઝેરને દૂર કરવાના મિશન પર કામ કરી રહ્યાં છીએ. માર્ચ 2023માં લેબર પાર્ટીને અલવિદા કરનારા રીટા પટેલ શહેર કાઉન્સિલમાં લેબર કાઉન્સિલર તરીકે સેવા આપતા હતા. શહેરના મેયરને હટાવવાના પ્રસ્તાવને સમર્થન આપવા માટે રીટા પટેલ સહિત ચાર કાઉન્સિલરની લેબર પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાઇ હતી. રીટા પટેલે મે 2023માં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં શહેરના મેયરપદ માટે પણ ઝંપલાવ્યું હતું પરંતુ તેઓ સફળ થઇ શક્યાં નહોતાં.
12 વર્ષ સુધી શહેરના કાઉન્સિલર તરીકે સેવાઓ આપ્યા બાદ હવે રીટા પટેલે શહેરની સેવાના નારા સાથે નવા રાજકીય પક્ષની રચના કરી છે. તેમની પાર્ટીનું કહેવું છે કે અમે હકારાત્મક રાજનીતિ કરી શકીએ છીએ તે પૂરવાર કરવા માગીએ છીએ. અમારી પાર્ટી લેસ્ટરના નાગરિકોને પહેલી પ્રાથમિકતા આપવા ઇચ્છે છે.
રીટા પટેલે જણાવ્યું હતું કે ફક્ત લેસ્ટરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રાજનીતિ ભાંગી પડી છે.


