વિઝાની મુદત વીતી ગયા પછી પણ યુકેમાં રોકાઇ જતાં લોકોની દુર્ભાગ્યપૂર્ણ કહાણી

વિઝા પૂરો થયા પછી રોકાનારા પરચૂરણ રોકડિયા કામ કરી ગુજરાન ચલાવવા મજબૂર, વિઝાની મુદત વીતી ગયા પછી પણ 83,600 સ્ટુડન્ટ યુકેમાં રહેતા હોવાનો અંદાજ

Tuesday 08th August 2023 13:27 EDT
 
 

 

લંડનઃ યુકેમાં નેટ માઇગ્રેશન રેકોર્ડ સપાટી પર પહોચી ગયું છે ત્યારે સ્કાય ન્યૂઝે ચોંકાવનારો ખુલાસો કરતાં વિઝા પૂરો થયા છતાં પણ યુકેમાં રોકાઇ જતા માઇગ્રન્ટ્સના સરકારી આંકડા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત ઉઘાડો પાડ્યો છે.

ભારતીય ધનબાલ બ્રિટનમાં અભ્યાસ માટે આવ્યો હતો. તે કહે છે કે શરૂઆતથી જ તે બ્રિટનમાં રોકાઇ જવાનું મન બનાવીને આવ્યો હતો. પોતાના ગુજરાન માટે તે શેફિલ્ડમાં પરચૂરણ રોજગાર પર આધાર રાખે છે. કન્સ્ટ્રક્શન અથવા ક્લિનિંગ જોબ માટે તે રોકડેથી કામ કરે છે. આવા તો ઘણા લોકો યુકેમાં રહી ગયાં છે. સરકાર પાસે તેમનો કોઇ સાચો આંકડો જ નથી.

ઇમિગ્રેશન સોલિસિટર વસુકી મુરહતહાસ કહે છે કે સિસ્ટમ ભાંગી પડી છે. ગયા વર્ષે વિઝા પૂરો થયા પછી પણ યુકેમાં રોકાઇ ગયેલા વિદેશીઓ દ્વારા કાયદાકીય સહાય માગતા કોલ્સમાં 50 ટકાનો વધારો થયો છે. તેઓ તેમના સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં તબદિલ કરવા માગે છે. આ પ્રકારના લોકોને સંતાતા રહેવું પડે છે. તેઓ ગરીબીમાં સબડે છે અને પરચૂરણ કામ કરતા રહે છે.

સુરેશ તેનો સ્ટુડન્ટ વિઝા પૂરો થયા પછી પણ 7 વર્ષથી અહીં રહે છે અને ઘાસ કાપવા જેવા પરચૂરણ કામ કરીને જીવન પસાર કરે છે. તે તેનો અભ્યાસ પણ પૂરો કરવા માગતો નથી. હોમ ઓફિસ પાસે આ રીતે રહી જતા વિદેશીઓ અંગે કોઇ જાણકારી જ નથી. 2020ના આંકડા પ્રમાણે વિઝા પૂરો થઇ ગયો હોય તેવા 83,600 વિદેશીઓ અંગે કોઇ માહિતી જ નથી.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નભતી યુનિવર્સિટીઓએ સ્ટુડન્ટ વિઝાનો દુરુપયોગ થતો અટકાવવા સાચા અરજકર્તાઓને પ્રવેશ આપવો જોઇએ. હોમ ઓફિસના પ્રવક્તા કહે છે કે અમે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવા પ્રતિબદ્ધ છીએ. તેના કારણે દેશના કરદાતાઓ પર બોજો પડે છે અને કાયદાકીય પ્રક્રિયા અનુસરનારા માઇગ્રન્ટ્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સાઉથ લંડનમાં રહેતો વિમલ પંડ્યા છેલ્લા 9 વર્ષથી યુકેમાં રહેવા કાયદાકીય લડત લડી રહ્યો હતો પરંતુ હવે તેની અપીલ ફગાવી દેવાઇ છે અને તે દેશનિકાલનો સામનો કરી રહ્યો છે. ક્વીન એલિઝાબેથ દ્વારા સન્માનિત કરાયેલા એક ભારતીયે ઇમિગ્રેશન અપીલમાં પરાજય થતાં દેશનિકાલ થવું પડ્યું હતું. વિમલ પંડ્યા 2011માં યુકે આવ્યો હતો. 2014માં કોઇ સગાની મુલાકાત માટે ભારત ગયો પછી તેને ફરીવાર બ્રિટનમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. તેને કારણ અપાયું હતું કે, તેની કોલેજનું લાયસન્સ રદ કરી દેવાયું છે.

ઓનમનોરમાના જણાવ્યા અનુસાર વિઝા પૂરો થયા પછી પણ કેરાલિયન સહિતના 83,600થી વધુ વિદ્યાર્થી યુકેમાં રહે છે અને ગરીબીનો સામનો કરી રહ્યાં છે. ઇમિગ્રેશન લોયર શોએબ એમ ખાને એશિયન વોઇસ -  ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, વિઝાની મુદત પૂરી થયા પછી યુકેમાં રહેનાર ગેરકાયદેસર બની જાય છે. સરકારની નીતિઓના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિઝા પૂરો થયા પછી રહેવું ક્રિમિનલ અપરાધ છે. તેના કારણે તમે ઘણી મુશ્કેલીમાં આવી પડો છો. તમે કાયદેસર કામ કરી શક્તા નથી કે અભ્યાસ કરી શક્તા નથી. બેન્ક ખાતુ ખોલાવી શક્તા નથી, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શક્તા નથી કે મકાન પણ ભાડે રાખી શક્તા નથી. તમને કામ આપનાર વ્યક્તિને પણ દંડનો સામનો કરવો પડે છે. સરકાર તમારી ગમે ત્યારે અટકાયત કરી દેશનિકાલ કરી શકે છે. વિઝા પૂરો થઇ રહ્યો હોય તેવી સ્થિતિમાં તમારે તાત્કાલિક ઇમિગ્રેશન લોયરનો સંપર્ક સાધી તેની સમક્ષ પોતાની સ્થિતિની રજૂઆત કરવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter