લંડનઃ વિદ્યાર્થીઓને પાર્ટ ટાઇમ જોબ માટે વધુ સમય મળી રહે તે માટે યુનિવર્સિટીઓ 3 દિવસના સપ્તાહનો અમલ કરી રહી છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં સંઘર્ષ કરી રહેલા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના પ્રયાસમાં આખું સપ્તાહ શિક્ષણ કાર્ય ચાલુ રાખવાને સ્થાને હવે સપ્તાહના 3 દિવસ જ શિક્ષણકાર્ય કરાશે. વાઇસ ચાન્સેલરોને આશા છે કે ટૂંકા સમયપત્રકના કારણે વધુ વિદ્યાર્થીઓ તેમના શિક્ષણના ખર્ચને પહોંચી વળવા માટે નોકરી કરી શકશે.
યુનિવર્સિટી સત્તાવાળાઓનો અંદાજ છે કે વધી રહેલી મોંઘવારી અને અપુરતી સ્ટુડન્ટ લોન મધ્યે યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેનારા 66 ટકા વિદ્યાર્થીઓ પાર્ટ ટાઇમ જોબ કરી શકશે. ટૂંકા સમયપત્રકના કારણે પોતાના પરિવાર સાથે રહેતા વિદ્યાર્થીઓને પણ લાભ થશે અને દરરોજ કોલેજ જવાની જરૂર પણ નહીં પડે.
લેસ્ટરની દ મોન્ટફોર્ટ યુનિવર્સિટી એ ગયા વર્ષે તેના 50 ટકા અભ્યાસક્રમોના સમયપત્રક ટૂંકાવી દીધાં હતાં. આગામી શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટીના તમામ અભ્યાસક્રમોના સમયપત્રક ટૂંકાવી દેવાયાં છે. વાઇસ ચાન્સેલર પ્રોફેસર કેટી નોર્મિંગ્ટને જણાવ્યું હતું કે, ટૂંકા સમયપત્રકોના કારણે વિદ્યાર્થીના જીવનો વધુ સરળ બનાવવામાં મદદ મળશે. ઘણા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં છે અને તેમના માથે અન્ય જવાબદારીઓ પણ હોય છે. ગયા વર્ષે અમારા પ્રયોગને વ્યાપક આવકાર મળ્યો હતો.
યુનિવર્સિટીમાં જતાં પહેલાં મેનિન્જાઇટિસની રસી લેવા સલાહ
લંડનઃ યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કરવા જઇ રહેલા વિદ્યાર્થીઓને મેનિન્જાઇટિસના ચાર સંભવિત પ્રકાર સામે લડવા રસી લેવાની સલાહ આરોગ્ય નિષ્ણાતો દ્વારા અપાઇ છે. મેનએસીડબલ્યુવાય નામની રસી મેનિન્જોકોકલ બેક્ટેરિયાના ચાર ગ્રુપ સામે સંરક્ષણ આપે છે. આ પ્રકારના બેક્ટેરિયા ગંભીર માંદગી લાવી શકે છે જેના કારણે મગજને નુકસાન થાય છે અને મોત પણ નિપજી શકે છે. આ રસી આમ તો સેકન્ડરી સ્કૂલમાં થ્રી ઇન વન ટીનેજ બૂસ્ટર સહિત આપવામાં આવે છે પરંતુ યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના જણાવ્યા અનુસાર આઠમાંથી એક બાળકે આ રસી લીધી હોતી નથી. તેથી યુનિવર્સિટીમાં જતાં પહેલાં આ રસી લેવી આવશ્યક ગણાવવામાં આવી છે.


