વ્યક્તિ પરિચય: આપની પ્રતિભાનો સમાજને લાભ આપો

Monday 16th February 2015 13:10 EST
 
 

શું આપ ધાર્મિક, સામાજીક, વ્યવસાયીક, વ્યાપારીક, રાજકીય કે પછી અન્ય કોઇ પણ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા છો? શું આપને નથી લાગતું કે પરમાત્માએ આપને બક્ષેલી પ્રતિભાથી બ્રિટનમાં વસતા આપણા ભારતીયો તેમજ ગુજરાતીઅો માહિતગાર થાય? જો આપનો જવાબ 'હા' હોય તો અમે આપનો પરિચય 'ગુજરાત સમાચાર'માં પ્રકાશિત કરવા આતુર છીએ.

આ માટે આપનો સંક્ષિપ્ત બાયોડેટા, સેવા કાર્યો, સામાજીક જોડાણ, આપના નવા ફોટોગ્રાફ, સંપર્ક વગેરે સાથે સંપૂર્ણ માહિતી અમોને ગુજરાતી ભાષામાં પેપરની એક તરફ મહત્તમ ૨૫૦ શબ્દોમાં લખીને 'ગુજરાત સમાચાર' કાર્યલય ખાતે મોકલી આપો. આપ પોતાના મિત્ર, સગાં-સંબંધીના નામનું સૂચન પણ કરી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ 020 7749 4001.

0000

હરીશભાઇ ચાવડાનું વાંચવા જેવું પુસ્તક: 'હાઉ ટુ લોસ વેઇટ એન્ડ બી હેલ્ધી' (Picture)

જાણીતા હોલિસ્ટીક થેરાપીસ્ટ, મોટીવેશનલ સ્પીકર અને હેલ્થ અને વેલબીઇંગ કોચ હરીશભાઇ ચાવડા તરફથી મનભાવન ખોરાક ખાઇને પણ કઇ રીતે આરોગ્યની જાળવણી કરી શકાય તેની માહિતી આપતું મઝાનું પુસ્તક 'હાઉ ટુ લોસ વેઇટ એન્ડ બી હેલ્ધી' પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં સાચી રીતે ખોરાક કઇ રીતે ખાવો, કઇ રીતે હસવું વગેરે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી છે.

હરીશભાઇ ગત વર્ષે ૬૦ વર્ષના થતા તેમણે 'ગીવીંગ બેક સીક્સ્ટી પ્રોજેક્ટ' અમલમાં મૂક્યો હતો. જે અંતર્ગત તેમણે વોટફર્ડમાં જન્માષ્ટમી ઉત્સવ વખતે ૩ દિવસ ભોજન પિરસવાની સેવા આપી હતી. તો હેરો કાઉન્સિલ યોજીત સ્કાય ફેસ્ટીવલ દરમિયાન ૬૦ લોકોને ભેટ્યા હતા. સંપર્ક: 07812 690 810.

૦૦૦૦0000000

વિદેશી ભાષાની ચેનલો એકીકરણ માટે બાધારૂપ (Picture)

લંડનના મેયર શ્રી બોરીસ જ્હોન્સને જણાવ્યું હતું કે 'દેશમાં મોટા પ્રમાણમાં ઇંગ્લીશ સિવાયની વિદેશી ભાષાઅોની ટીવી ચેનલોના કારણે લોકો ઇંગ્લીશ અોછું શિખે છે અને બ્રિટિશ સમાજમાં તેમનું એકીકરણ અોછું થાય છે. જો આપણે લોકોને ઉદ્દામવાદી થતાં રોકવા હશે તો આપણે તેઅો જ્યારે યુકેમાં આવે ત્યારે જ તેમને પૂરતું ઇંગ્લીશ આવડે છે કે નહિં તે જોવું તે જરૂરી બનાવવું પડશે. વિદેશી મુળના લોકો સમાજમાં ભળતા રહે તે જરૂરી છે.

૦૦૦૦૦૦૦૦૦

ઝાઝી ભૈંસો, સિંહને ભગાડે (Picture)

એક જુની કહેવત છે ને કે ઝાઝી કીડીઅો સાપને તાણે. જંગલનો રાજા સિંહ કદી હારે કે ભાગે ખરો? ના, પણ જ્યારે ઢગલાબંધ વિફરેલી ભેંસો પાછળ પડે ત્યારે જંગલના રાજા સિંહ અને સિંહણ પણ દુમ દબાવીને ભાગી જાય છે. દુનિયાનો આ ક્રમ છે.

પ્રસ્તુત તસવીર કેન્યાના મસાઇમારા નેશનલ પાર્કમાં તાજેતરમાં જ લૌરેન્ટ રેનૌડ અને ડોમીનીક હૌસને લીધી હતી. સિંહણે એક ભેંસને તેમના ટોળાથી દૂર એકલી જોતા શિકાર કરવા હમલો કર્યો હતો પરંતુ ભેંસોના ટોળાએ હિંમતભેર પ્રતિકાર કરી ભેંસને બચાવી લીધી હતી અને હુમલાખોર સિંહણ તેમજ તેના સાથીદાર સિંહને પણ ભગાવ્યો હતો. આ તસવીરમાં સિંહની આંખોમાં ડર ચોક્ખો નજરે પડે છે.

૦૦૦૦૦૦

ઇન્ટરનેટનું વ્યસન છોડવા હાથ કાપ્યો

માનો યા ના માનો, પણ ચીનના જીંગ્સુ પ્રવિન્સના નાનતોંગ શહેરના ૧૯ વર્ષના એક વિદ્યાર્થીએ ઇન્ટરનેટના વ્યસનથી છૂટકારો મેળવવાના આખરી પગલા તરીકે પોતાનો ડાબો હાથ કાપી નાંખ્યો હતો. 'લીટલ વેંગ' તરીકે અોળખાવાયેલા આ યુવાનની હાલત સુધારા પર છે.

૦૦૦૦૦

ગાંડાના તો કાંઇ ગામ હોતા હશે (Picture)

જી હા, તસવીર જોશો એટલે બધું સમજાઇ જશે. નોર્થ ઇસ્ટ લંડનના રોમફર્ડમાં હાર્વેસ્ટર રોડ નજીક આવેલ મેશીટર્સ હિલ ખાતે કાઉન્સીલના કોન્ટ્રાક્ટરે લાઇટના થાંભલાની ચારે તરફ કાર પાર્ક કરવા માટે આમ સફેદ કલરથી બોક્સ દોરી દીધું હતું. હેવરીંગ કાઉન્સીલે જણાવ્યું હતું કે 'કોન્ટ્રાક્ટરના માણસોએ ભૂલ કરી હતી અને હવે તે કલરને દુર કરી દીધો છે.' પણ ભલા માણસ, શું તેમને આ થાંભલો દેખાયો નહિં હોય?

૦૦૦૦

પહેલા પ્રેમ પરત્વે લાગણી

પુરૂષો હંમેશા કઠોર હ્રદયના હોવાનું કહેવાય છે. પરંતુ ના એવું નથી. તાજેતરમાં થયેલા અભ્યાસમાં ૨૮ ટકા પુરૂષોએ જણાવ્યું હતું તેઅો સગીર વયના હતા ત્યારે તેમને થયેલા પહેલા પ્રેમનો તેઅો હજુ અહેસાસ કરે છે. જ્યારે ૬૨% લોકોએ જણાવ્યું હતું કે તેઅો નિયમીતપણે તેમના પ્રથમ પ્રેમની યાદોને વાગોળે છે.

૦૦૦૦૦૦

સરસ મઝાનો કુદરતી કોટ! (Picture)

ગ્લોસ્ટરશાયરના બર્ડલેન્ડમાં ગત સપ્ટેમ્બર માસમાં જન્મેલા અને તે સમયે માત્ર છ ઇંચની ઉંચાઇ ધરાવતા કિંગ પેંગ્વીનનું કદ માત્ર પાંચ જ માસમાં વધીને અઢી ફીટ થઇ ગયું છે. આજ રીતે જન્મ સમય તેનું વજન માત્ર ૨૩૦ ગ્રામ હતું, જે આજે સાડા નવ કિલો થઇ ગયું છે. સુંદર મઝાના ક્થ્થાઇ રંગના ફર સાથેનું આ કિંગ પેંગ્વીન છેલ્લા પાંચ વર્ષમાં બ્રિટનમાં જન્મેલું પ્રથમ પેંગ્વીન છે.

૦૦૦૦૦૦

રોજ એક શકમંદ ત્રાસવાદી ઝડપાય છે

બ્રિટનમાં ઇસ્લામીક કટ્ટરવાદ એટલો બધો વધી ગયો છે કે દેશમાં રોજે રોજ એક કટ્ટરવાદી શકમંદ ત્રાસવાદીની પોલીસ ધરપકડ કરે છે. આતંકવાદ વિરોધી દળના દેશના મોટા અધિકારી માર્ક રૌલીએ જણાવ્યું હતું કે 'વધતો ઇસ્લામીક કટ્ટરવાદ ખરેખર જોખમી છે અને સરકારે તેની સામે લડત લડવા માટે પોલીસને વધુ ફંડ આપવું પડશે.'

000000

સ્ટેશન કાર પાર્કના દરોમાં વધારો

લેબર પક્ષના શેડો ટ્રાન્સપોર્ટ સેક્રેટરી માઇકલ ડગરે જણાવ્યું હતું કે 'સ્ટેશન કાર પાર્કના દરોમાં ટ્રેઇન અોપરેટરો દ્વારા નિયમીતપણે વધારો કરવામાં આવે છે. હોમ કાઉન્ટીઝના વિસ્તારોમાં પાર્કિંગના દરોમાં થતા વધારાને રોકવા માટે તેમણે અપીલ કરી હતી. સાઉધર્ન ટ્રેઇન દ્વારા ૪.૮%નો જાન્યુઅરી માસમાં વધારો કરાયો હતો જેનાથી £૧૨-૫૦થી વધીને ભાવ £૧૩.૧૦ થશે.

0000000000

લોકોને અપાતી ફ્લુની રસીનો કોઇ અર્થ નથી

બ્રિટનમાં દર વર્ષે લાખ્ખો લોકોને ફ્લુની જે રસી આપવામાં આવે છે તેનો કોઇ અર્થ નથી અને તે બીનજરૂરી છે. છેલ્લા ૧૫ વર્ષમાં આ વખતે સૌથી વધુ લોકોના મોત નિપજ્યા હતા. ખતરનાક ઇન્ફલ્ુએન્ઝાનો ફેલાવો વૃધ્ધો માટે જોખમી બને છે, જે ફ્લુ જેબ કરતા અલગ પ્રકારના હોવાથી ફ્લુ જેબ બીનઅસરકારક બની રહે છે એમ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું.

0000000000

* છેલ્લા કેટલાક સમયથી લાગતું હતું કે વ્યાજના દરો વધશે અને મોરગેજ ભરવાનું લોકો માટે મુશ્કેલ બનશે. પરંતુ અત્યારે મોરગેજ કંપની જે રીતે મોરગેજ માટે આકર્ષક અોફર આપી રહી છે તે જોતાં આ 'મોરગેજ વોર'થી નવું ઘર લેતા ગ્રાહકોને £૧૭૦૦નો ફાયદો થશે.

 * મનોચિકિત્સકોએ કરેલા આભ્યાસમાં જણાયું છે કે માત્ર ૧૩ વર્ષના બાળકો પણ બુલીંગ અને મૈત્રીપૂર્ણ વ્યવહારને પારખી શકે છે. આ ઉપરાંત જણાયું હતું કે પહેલા કરતા બાળકો વધુ ચકોર થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter