લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે જાહેર ખર્ચ અને કરવેરાના મામલે શિસ્તબદ્ધ રહીને ફુગાવાને ડામી શકાશે. જનતાને આગામી વર્ષથી મોટી રાહત મળશે. એક અખબારી મુલાકાતમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું દ્રઢપણે માનું છું કે હું ફુગાવાના દરને નીચો લાવી આર્થિક વૃદ્ધિમાં વધારો કરી શકીશ. હું ભવિષ્ય અંગે ઘણો આશાવાદી છું અને મને વિશ્વાસ છે કે ફુગાવાનો દર ઘટશે જેથી આગામી વર્ષે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ હળવી થાય.
શું જનતાને મોંઘવારીમાંથી આગામી વર્ષ સુધીમાં રાહત મળશે તેવા સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, જનતાને એવું પ્રતીત કરાવવાની મારી ફરજ છે કે મોંઘવારી ઘટી રહી છે. તમે જોઇ શકો છો કો ફુગાવાના દર કરતાં પગાર વધારો ઝડપથી થઇ રહ્યો છે. મને આપણને વિશેષ બનાવતા આપણા દેશ માટે ગૌરવ છે. હાલ આપણી સામે પડકારો છે પરંતુ મને વિશ્વાસ છે કે આપણે આ પડકારોનો સામનો કરી લઇશું. હા, ફુગાવા પર નિયંત્રણ મેળવવામાં સમય લાગી રહ્યો છે પરંતુ આપણે પ્રગતિ કરી રહ્યાં છીએ. છેલ્લા બે મહિનાના આંકડા દર્શાવે છે કે સરકારના પગલાં કારગર નીવડી રહ્યાં છે. જો આપણે આ નીતિને વળગી રહીશું તો ફુગાવાના દરને એ સ્તરે લાવી શકીશું જેથી જનતા રાહત અનુભવી શકે.
કરવેરામાં ઘટાડો કરવાની ટોરી સાંસદોની માગને નકારી કાઢતાં સુનાકે ચેતવણી આપી હતી કે સરકાર દેવું કરશે તો ફુગાવામાં વધારો જ થશે. હાલ તો આપણે ફુગાવાના દરને નીચો લાવવાનો છે. તે માટે આપણે ખર્ચ અને દેવા શિસ્તબદ્ધ રીતે કરવા પડશે.
સુરંગના બીજા છેડે પ્રકાશ જોવા મળી રહ્યો છેઃ રિશી સુનાક
ફુગાવના દરમાં સતત બીજા મહિને થયેલા ઘટાડાથી ઉત્સાહિત વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ફુગાવાના દરને આ વર્ષના અંત સુધીમાં અડધો કરવાના મારી સરકારના લક્ષ્યાંક માટે સુરંગના બીજા છેડે પ્રકાશનું કિરણ દેખાઇ રહ્યું છે. પગારમાં રેકોર્ડ વધારાના અહેવાલો છતાં ફુગાવામાં ઘટાડાની દિશામાં સારી પ્રગતિ જોવા મળી રહી છે. વ્યાજદરમાં ઘટાડો કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ ફુગાવામાં ઘટાડો છે.


