લંડનઃ 15મી ઓગસ્ટના રોજ સાઉથહોલ બ્રોડવેમાં ભારતીય સમુદાયના લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યાં હતાં ત્યારે ભારતીય મૂળના યુવાઓ અને ખાલિસ્તાની અલગતાવાદીઓ વચ્ચે અથડામણો સર્જાઇ હતી જેમાં એક ભારતીય શીખ દ્વારા બે વ્યક્તિ પર ચાકુ વડે હુમલો કરાતાં બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, સાઉથહોલમાં ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન બે વ્યક્તિ પર ચાકુથી હુમલો કરવાના આરોપસર એક શીખની ધરપકડ કરાઇ છે. ધરપકડ કરાયેલ ગુરપ્રીતસિંહ ભારતીય નાગરિકતા ધરાવે છે. ભારતીય સમુદાયના લોકો અને ખાલિસ્તાની અલગતાવાદીઓ વચ્ચેની અથડામણોના કેટલાક વણચકાસાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર ફરતાં થયાં છે.
મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટના રોજ રાતના 10 કલાકે સાઉથહોલના બ્રોડવેમાં પોલીસ અધિકારીઓ ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી પર નજર રાખી રહ્યાં હતાં ત્યારે એક વ્યક્તિએ પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસને બે યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યાં હતાં. તેમને હોસ્પિટલમાં સારવાર આપીને જવા દેવાયાં હતાં. પોલીસે ઘટનાસ્થળેથી બે વ્યક્તિની ધરપકડ કરી હતી.
17મી ઓગસ્ટે ઇલફોર્ડના 25 વર્ષીય ગુરપ્રીતસિંહને અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેના પર ઇરાદાપુર્વક ગંભીર ઇજા પહોંચાડવાનો આરોપ મૂકાયો હતો. તેને કસ્ટડીમાં મોકલી અપાયો છે અને 14 સપ્ટેમ્બરના રોજ આઇલ્સવર્થ ક્રાઉન કોર્ટમાં રજૂ કરાશે. ધરપકડ કરાયેલા અન્ય વ્યક્તિને પોલીસે જામીન પર મુક્ત કર્યો હતો. આ ઘટનાના પગલે આ વિસ્તારમાં સેક્શન 35 અંતર્ગત આદેશો જારી કરાયાં હતાં.
સોશિયલ મીડિયામાં જારી કરાયેલા વીડિયો અનુસાર ભારતીય સમુદાયના લોકો તિરંગા સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યાં હતાં ત્યારે સ્થાનિક ગુરુદ્વારા ખાતે ખાલિસ્તાની અલગતાવાદીઓએ ખાલિસ્તાની ઝંડા ફરકાવતા બંને સમુદાયો વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઇ હતી. ભારતીય સમુદાયમાંના કેટલાક લોકોએ ખાલિસ્તાની ઝંડો લઇને ઊભેલા એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો જેને પોલીસે છોડાવ્યો હતો.
પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સીન લિન્ચે જણાવ્યું હતું કે, આ ઘટનાએ ઘણી ચિંતા ઉપજાવી છે. અમે આ ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ.


