રિયાધ: એક સમય હતો જ્યારે સાઉદી અરબમાં હિજાબ કે બુરખા વગરની મહિલાની કલ્પના પણ થતી નહોતી, પણ હવે સમય બદલાયો છે. ફાતિમા અલ જિમામ બ્લેક લેગિંગ્સ ને કેઝ્યુઅલ ટોપ્સ પહેરીને ફરવાનું પસંદ કરે છે. તેના વાંકડિયા વાળ ખુલ્લા રહે છે. તેની પાસે સિલ્વર પિકઅપ ટ્રક છે. ફાતિમા તેમાં એકલી સાઉદી અરબના રણ વિસ્તારમાં ફરે છે. એક ટૂર ગાઇડના રૂપમાં તે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઇટલી, ચીન સહિતના દેશોના લોકોને પોતાના દેશની સહેલગાહ કરાવે છે. 34 વર્ષની ફાતિમા સાઉદી અરબમાં જોવા મળતા પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષોથી રુઢિચુસ્ત દેશ તરીકે ઓળખાતા સાઉદી અરબે 2019થી બિનધાર્મિક પ્રવાસનને મંજૂરી આપી છે.
આ સાથે જ છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓને અનેક મામલે છૂટ મળી છે. સાઉદી અરબે પર્યટન પર મોટા દાવ લગાવ્યો છે. સરકાર 10 વર્ષમાં પ્રવાસન ઉદ્યોગ પર રૂ. 80 લાખ કરોડ ખર્ચશે. 2030 સુધી દર વર્ષે 10 કરોડ પર્યટકોને આકર્ષિત કરવા લક્ષ્ય છે. ફાતિમા કહે છે કે, એક સમયે ક્રૂડ ખતમ થવાનું છે. એટલે જ ખેતી, સોલર એનર્જી, પ્રોજેક્ટમાં રોકાણ કરાય છે. આજે દેશમાં અનેક મહિલા ટૂર ગાઇડ કામ કરે છે.


