લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકની ફેક ઇમેજ શેયર કરી જુઠ્ઠાણું ફેલાવવા માટે લેબર સાંસદોની આકરી ટીકા થઇ રહી છે. લંડનમાં બીયર ફેસ્ટિવલ ખાતે વડાપ્રધાન સુનાક હાથમાં પીન્ટ ઓફ ગિનેસ લઇને ઊભા હોય તેવી તસવીર લેવામાં આવી હતી. પરંતુ ઇન્ટરનેટ પર અવળચંડાઇ કરતા યૂઝર્સે વડાપ્રધાન જાણે આ પીણું ઠાલવવાનો પ્રયાસ કરતા હોય તેવી તસવીર ઉપજાવી કાઢી હતી. કાર્લ ટર્નર સહિતના લેબર સાંસદોએ તાત્કાલિક આ ફેક ઇમેજ શેયર કરીને વડાપ્રધાન વિરોધી ટિપ્પણીઓ કરી હતી. કેટલાક સાંસદોએ વડાપ્રધાનની મજાક ઉડાવી હતી. લેબર સાંસદોના આ કૃત્યની ટોરી નેતાઓ દ્વારા આકરી ટીકા કરાઇ હતી. ટોરી નેતાઓએ આરોપ મૂક્યો હતો કે લેબર સાંસદોએ નર્યું જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કર્યું છે. જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ફેક ઇમેજ દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવી જોઇએ નહીં.


