લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકને સ્કોટિશ ઓઇલ પીતા વેમ્પાયર તરીકે દર્શાવતા પોસ્ટરને નકારી કાઢવામાં આવ્યું છે. મીડિયા જાયન્ટ ગ્લોબલે આ પોસ્ટરને એમ કહીને નકારી કાઢ્યું હતું કે, તે વડાપ્રધાન માટે નિંદાકારક છે. આલ્બા પાર્ટીના એલેક્સ સાલમન્ડ્સ દ્વારા આ પોસ્ટર તૈયાર કરાયું હતું. જેમાં રિશી સુનાકને વેમ્પાયર તરીકે દર્શાવવાની સાથે એમ લખવામાં આવ્યું હતું કે, તેઓ હસી રહ્યાં છે તેમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી. તેમને સ્કોટલેન્ડનું ઓઇલ મળી ગયું છે. આવા જ પ્રકારનું પોસ્ટર કેમ્પેન સ્કોટિશ નેશનલ પાર્ટીદ્વારા 1980ના દાયકામાં માર્ગારેટ થેચર વિરુદ્ધ ચલાવવામાં આવ્યું હતું. આલ્બા પાર્ટી બિલબોર્ડ અને ફોન બોક્સ પર આ પોસ્ટરની જાહેરાતો માટે ગ્લોબલ કંપનીને હાયર કરવા ઇચ્છતી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, રાજકીય અભિયાનોમાં પોસ્ટરમાં બેઝિક સંદેશા હોવા જોઇએ. આલ્બા પાર્ટીના જનરલ સેક્રેટરી ક્રિસ મેકએલિનીએ કંપનીના નિર્ણયને ભયજનક ગણાવતા જણાવ્યું હતું કે, એડવર્ટાઇઝિંગ કંપનીઓઓને રાજકીય અભિયાનોની સેન્સરશિપનો અધિકાર આપવો જોઇએ નહીં.


