લંડનઃ શરમજનક સુરક્ષા ચૂકમાં વડાપ્રધાન રિશી સુનાકનો ફોન નંબર ઓનલાઇન જાહેર થઇ ગયો છે. સોશિયલ મીડિયા પ્રેન્કસ્ટરે ફોનની રીંગ અને વડાપ્રધાન ફોન મેસેજનો જવાબ આપતા હોય તેવો ઓડિયો જાહેર કર્યા બાદ વડાપ્રધાનનો અંગત ફોન નંબર જાહેર થઇ ગયો છે. જોકે ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે સુરક્ષા મામલાઓ પર ટિપ્પણી કરી શક્તાં નથી. રિશી સુનાક ચાન્સેલર હતા ત્યારથી આ ફોન નંબરનો ઉપયોગ કરતા આવ્યા છે. એક વર્ષ પહેલાં તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેમને એક અલગ નંબરની પણ ફાળવણી કરાઇ હતી. જો કે સુનાકનો અંગત નંબર પણ હજુ ચાલુ છે. આ પહેલીવાર નથી કે વડાપ્રધાનનો અંગત ફોન નંબર જાહેર થઇ ગયો હોય. બોરિસ જ્હોન્સનનો ફોન નંબર પણ ઓનલાઇન ઉપલબ્ધ થઇ ગયો હતો.


