હમાસ સામે કાર્યવાહીનો ઇઝરાયેલને અધિકારઃ સુનાક

યુકે હંમેશા ઇઝરાયેલની સાથે રહેશે, પેલેસ્ટિનિયનો પણ હમાસથી પીડિત, ગાઝામાં તાત્કાલિક માનવીય સહાયને મંજૂરીને વડાપ્રધાન સુનાકનો આવકાર

Tuesday 24th October 2023 11:59 EDT
 
 

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક ગુરુવારે ઇઝરાયેલ પ્રત્યેના યુકેના સમર્થનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા ઇઝરાયેલની મુલાકાતે પહોંચ્યા હતા. સુનાકે ઇઝરાયેલના પ્રમુખ ઇસ્હાક હેરઝોગ અને વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ સાથે બેઠકો યોજી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઇની સમીક્ષા કરી હતી.

ઇઝરાયેલી પ્રમુખ હેરઝોગ સાથેની મુલાકાત બાદ સુનાકે જણાવ્યું હતું કે, તમારા દેશ, તમારા લોકની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને હમાસના કબજામાં રહેલા બંધકોને પાછા લાવવાના તમારા અધિકાર માટે અમે પ્રતિબદ્ધતાથી તમારી પડખે છીએ. હું તો એમ કહીશ કે તેમ કરવાનો તમને અધિકાર જ નહીં પરંતુ એ તમારી ફરજ પણ છે જેથી તમારા દેશની સુરક્ષા પુનઃસ્થાપિત કરી શકાય. સુનાક અને હેરઝોગ ગાઝામાં વસતા પેલેસ્ટિનિયનોને તાત્કાલિક માનવીય સહાય પૂરી પાડવાના મહત્વ મુદ્દે પણ સહમત થયાં હતાં.

ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ સાથેની મુલાકાત બાદ રિશી સુનાકે જણાવ્યું હતું કે, યુકે ઇચ્છે છે કે આતંકવાદ સામેની આ લડાઇમાં ઇઝરાયેલનો વિજય થાય. તમે આ સમયને ઇઝરાયેલ માટે સૌથી કપરો કાળ ગણાવ્યો છે. તમારા કપરા કાળમાં તમારી સાથે ઊભા રહેવાનું અમને ગૌરવ છે. એક મિત્ર તરીકે અમે તમારી પડખે પ્રતિબદ્ધતાથી ઊભા રહીશું. અમે તમારા લોકની સાથે છીએ અને ઇચ્છીએ છીએ કે તમારો વિજય થાય.

ગાઝા પટ્ટીમાં વસતા પેલેસ્ટેનિયનો હમદર્દી જતાવતા રિશી સુનાકે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસના ઘટનાક્રમથી અમે ઘણા આઘાતમાં છીએ. દરેક નિર્દોષ જીવન ગુમાવવા માટે અમે શોકગ્રસ્ત છીએ. અમે દરેક દેશના, દરેક ધર્મના મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીએ છીએ. પેલેસ્ટિનિયન લોકો પણ હમાસથી પીડિત છે. અમે ઇજિપ્ત સરહદથી ગાઝામાં માનવીય સહાય પહોંચાડવાના નેતાન્યાહૂના નિર્ણયને આવકારીએ છીએ.

સુનાકે નેતાન્યાહૂને જણાવ્યું હતું કે અમે વાકેફ છે કે ઇઝરાયેલ નાગરિકોની સુરક્ષા માટે દરેક સાવચેતી રાખી રહ્યો છે. જેની સામે હમાસ કોઇપણ પ્રકારે નાગરિકોને નુકસાન પહોંચાડવા માગે છે. બ્રિટિશ બંધકોની મુક્તિ માટે ઇઝરાયેલ દ્વારા કરાતી મદદ માટે પણ અમે આભારી છીએ.

ઇઝરાયેલને હમાસની સામે કાર્યવાહી કરવાનો સંપુર્ણ અધિકાર છે. યુકે તેના અધિકારને સમર્થન આપે છે. ઇઝરાયેલને તેના બંધકો પાછા મેળવવા, ભાવિ હુમલા અટકાવવા અને લાંબાગાળા માટે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ અધિકાર છે.

ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂએ જણાવ્યું હતું કે, બ્રિટને આપેલી લશ્કરી સહાય માટે અમે આભારી છીએ. આ કપરા કાળમાં યુકે ઇઝરાયેલની મદદ કરી રહ્યો છે. 80 વર્ષ અગાઉ યુકેનો કપરો કાળ હતો ત્યારે સિવિલાઇઝ્ડ વર્લ્ડે યુકેની મદદ કરી હતી. હવે અમારો કપરો કાળ ચાલી રહ્યો છે. આપણે સાથે મળીને જીતવાનું છે. આ યુદ્ધ લાંબુ ચાલવાનું છે અને અમને તમારી મદદની જરૂર છે.

ગાઝા હોસ્પિટલ હુમલામાં ઇઝરાયેલને બ્રિટિશ એજન્સીઓની ક્લિનચીટ

ગાઝા હોસ્પિટલ હુમલામાં ઇઝરાયેલને બ્રિટિશ એજન્સીઓ દ્વારા ક્લિનચીટ આપવામાં આવી છે. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ગાઝાની હોસ્પિટલ પર થયેલા ઘાતકી હુમલાની બ્રિટિશ ઇન્ટેલિજન્સ સર્વિસિઝની તપાસમાં સામે આવ્યું છે કે ગાઝાની હોસ્પિટલ પરના હુમલામાં ઇઝરાયેલનો કોઇ હાથ નથી.

બ્રિટિશ બંધકોને છોડાવવા સરકાર કતાર સાથે મળીને કામ કરી રહી છેઃ સુનાક

હમાસ દ્વારા બંધક બનાવાયેલા બ્રિટિશ નાગરિકોની મુક્તિ માટે યુકે કતાર સાથે મળીને કામ કરી રહ્યો છે. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મેં આ મામલે કતારના આમીર શેખ તામિમ બિન હમદ અલ થાની સાથે ચર્ચા કરી છે. કતારની સરકાર આ પ્રદેશમાં તેના સંપર્કોનો ઉપયોગ કરીને વિદેશી બંધકોને મુક્ત કરાવવા કામ કરી રહી છે અને યુકે સરકાર પણ કતારના ગાઢ સંપર્કમાં છે. સરકાર બંધક બનાવાયેલા બ્રિટિશ નાગરિકોના પરિવારો સાથે છે. સરકાર તેમના પરિવારજનોને પરત લાવવા તમામ પ્રયાસ કરી રહી છે.

ઇઝરાયેલ અંગેના સ્ટાર્મરના નિવેદનથી વિવાદ, 23 કાઉન્સિલરના રાજીનામા

ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર સર કેર સ્ટાર્મરે આપેલા નિવેદનના પગલે લેબર પાર્ટીમાં કટોકટી સર્જાઇ છે. સ્ટાર્મરે એલબીસી ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલને ગાઝામાં પાણી અને વીજળીનો પૂરવઠો કાપી નાખવાનો અધિકાર છે. સ્ટાર્મરના આ નિવેદનના વિરોધમાં 23 કાઉન્સિલરોએ રાજીનામા આપી દીધાં છે અને કેટલાંક ફ્રન્ટ બેન્ચર્સ સહિતના સાંસદોએ સ્ટાર્મરને આ મુદ્દે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. જોકે પાછળથી સ્ટાર્મરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, હું ફક્ત એટલું કહેવા માગતો હતો કે ઇઝરાયેલે આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં પોતાની સુરક્ષા કરવી જોઇએ.

બીબીસી હવે હમાસને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તરીકે સંબોધશે

બીબીસીએ હમાસને આતંકવાદી સંગઠન તરીકે સંબોધવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે તેના સ્થાને હવે તે હમાસને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તરીકે સંબોધશે. અત્યાર સુધી હમાસના આતંકવાદીઓને આઝાદીના લડવૈયા, ગનમેન તરીકે સંબોધન કર્યા બાદ બીબીસીની આકરી ટીકા કરવામાં આવી રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter