‘લાલ પરી’નું અમદાવાદથી એબિંગ્ડન પ્રયાણઃ 12 હજાર કિમી, 16 દેશ અને 60 દિવસ

- નીલેશ પરમાર Tuesday 15th August 2023 18:01 EDT
 
 

અમદાવાદઃ દરેક પ્રવાસ હંમેશા રોમાંચક હોય છે, પરંતુ તેમાં સાહસ ઉમેરાય છે ત્યારે સોનામાં સુગંધ ભળે છે. ઠાકોર પરિવારની ત્રણ પેઢીના સભ્યો પણ અમદાવાદથી લંડનના આવા જ પ્રવાસે રવાના થયા છે, અને તે પણ 1950ના મોડેલની વિન્ટેજ કારમાં. ઠાકોર પરિવારે તેમની આ લાલચટ્ટાક લાડકી કારને નામ આપ્યું છે ‘લાલ પરી’. આ રૂપકડી કાર 60 દિવસમાં 12 હજાર કિલોમીટરનું અંતર કાપશે અને 16 દેશ વટાવીને ઓક્સફર્ડશાયરમાં થેમ્સના કિનારે વસેલા એબિંગ્ડનમાં પહોંચશે.
પણ આ રોમાંચક સાહસનો ઉદ્દેશ શું છે? પ્રવાસનું સુકાન સંભાળી રહેલા તરવરિયા બિઝનેસમેન દામન ઠાકોર (50) ‘ગુજરાત સમાચાર’ને કહે છે, ‘બસ, એમ જ. ઉદ્દેશ તો કોઇ નથી, પણ લક્ષ્ય છે એબિંગ્ડન.’ તો પછી એબિંગ્ડન જ શા માટે? કેમ કે MG-YTમોડેલની આ કારનું પ્રોડક્શન એબિંગ્ડનમાં ધમધમતી એમજી કંપનીમાં થયું છે. તે સમયે કંપનીએ આ લિમિટેડ એડિશન મોડેલની માત્ર 900 કાર બનાવી હતી, જેમાંથી આજે દુનિયાભરમાં માત્ર 100 કાર હયાત છે. પ્રતિ કલાક મહત્તમ 35-40 કિમીની ઝડપે દોડતી ‘લાલ પરી’ રોજના અંદાજે 200નું અંતર કાપશે, અને ઓક્ટોબરના મધ્ય ભાગમાં બ્રિટન પહોંચશે.
વિન્ટેજ કાર અને લોંગ ડ્રાઇવના શોખીન દામનભાઇ સાથે તેમના 75 વર્ષના પિતા દેવલભાઇ, 72 વર્ષના કાકા મધુભાઇ અને 21 વર્ષની પુત્રી દેવાંશી પણ જોડાયા છે. આ ઉપરાંત બે મિત્રો જાણીતા આર્કિટેક્ચરલ ફોટોગ્રાફર તથા ફિલ્મમેકર વિનય પંજવાણી અને વિન્ટેજ કાર એક્સપર્ટ મુકેશ બરારિયા પણ પ્રવાસમાં જોડાયા છે. આ બન્ને મિત્રો કેરેવાનમાં પ્રવાસ કરશે અને વિનયભાઇ કેમેરાની આંખે સમગ્ર પ્રવાસનું ડોક્યુમેન્ટેશન કરશે.
ઠાકોર પરિવારની અનેક યાદો આ ‘લાલ પરી’ સાથે જોડાયેલી છે, અને આ મીઠાંમધુરાં સ્મરણોએ જ તેમને ગુજરાતથી બ્રિટન સુધીના લાં...બા પ્રવાસ માટે પ્રેર્યા છે. MG-YTનું ‘લાલ પરી’ નામકરણ કર્યું છે દામનભાઇના માતા દક્ષાબહેને. દામનભાઇ કહે છે, ‘આજે 73 વર્ષ પુરાણી આ વિન્ટેજ કાર અમે 1979માં ખરીદી હતી, અને બાળપણથી તેમાં ફરીને મોટાં થયાં છીએ. અમે નાના હતાં ત્યારે મમ્મી દરરોજ રસપ્રદ વાર્તા સંભળાવતાં. મોટા ભાગની વાર્તાઓ તેમણે જાતે બનાવેલી હોય, અને દરેકના કેન્દ્રમાં હોય સાહસ અને બહાદુરી. કથાવસ્તુ ભલે કંઇ પણ હોય, પરંતુ વાર્તાનો સુખાંત એવો હોય કે ‘લાલ પરી’ (અમારી કાર) દેવદૂત બનીને આવે અને અમને બધાને મુશ્કેલીમાંથી ઉગારી લે! વર્ષોના વહેવા ‘લાલ પરી’ સાથેનો અમારો લાગણીભર્યો નાતો મજબૂત બનતો ગયો. બાળપણનાં આ સંભારણા અને વિન્ટેજ કાર માટેની દિવાનગીથી પ્રેરાઇને ચારેક વર્ષ પૂર્વે ‘લાલ પરી’નું કમ્પલીટ રિસ્ટોરેશન કર્યું. આ પછી લાંબા પ્રવાસનું વિચારતા હતા, પણ કોરોના નડી ગયો. આ દરમિયાન વિચાર્યું કે બાળપણમાં તો આપણે વાર્તાઓમાં જ સાહસ-રોમાંચ માણ્યા છે તો ચાલોને કોઇક રીતે તેને સાકાર કરીએ, અને તેમાંથી ‘લાલ પરી’ને તેની જન્મદાતા કંપની સુધી લઇ જવાની યોજનાએ આકાર લીધો.’ અને, જૂઓ ઠાકોર પરિવાર અમદાવાદથી રવાના પણ થઇ ગયો.

‘લાલ પરી’નો રૂટ
અમદાવાદથી મુંબઇ... મુંબઇથી ફેરી મારફતે દુબઇ... ઇરાન... અઝરબૈઝાન, જ્યોર્જિયા, તુર્કીયે, ગ્રીસ, બલ્ગેરિયા, અલ્બેનિયા... નોર્થ મેસોડોનિયા... ક્રોએશિયા... ઇટલી... સ્વિત્ઝર્લેન્ડ... જર્મની... બેલ્જિયમ... ફ્રાન્સ... અને બ્રિટન...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter