12 વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત સરકાર બનાવી ઇતિહાસ રચ્યો

Sunday 17th May 2026 06:23 EDT
 
 

નવી દિલ્હી: વર્ષ 2014માં કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું અને નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની સરકાર રચાઇ હતી, ત્યારથી લઇને અત્યાર સુધીમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત પોતાની સરકાર બનાવી છે. જેમાં તાજેતરમાં બંગાળમાં તૃણમુલ કોંગ્રેસને હરાવી પ્રાપ્ત કરેલી સત્તાનો પણ સમાવેશ થાય છે. જ્યાં ક્યારેય ભાજપે સરકાર નહોતી બનાવી ત્યાં સત્તાની શરૂઆત હરિયાણા અને મહારાષ્ટ્રથી થઇ હતી. વર્ષ 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. 2014માં જ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની હતી. જે બાદ 2016માં અસમ અને અરૂણાચલ પ્રદેશ, 2017માં મણિપુર, 2018માં ત્રિપુરા, 2024માં ઓડિશા, આ જ વર્ષે બિહાર અને હવે પશ્ચિમ બંગાળમાં ભાજપે પ્રથમ વખત સત્તા પ્રાપ્ત કરીને સરકાર બનાવી છે. આ જ રીતે મુખ્યમંત્રીઓ અંગે વાત કરીએ તો હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ, અસમમાં સર્વાનંદ સોનોવાલ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપે 2016માં અસમમાં જીત પ્રાપ્ત કરીને પૂર્વોત્તરમાં પોતાની પકડ મજબૂત બનાવી હતી, ત્યારથી લઇને અત્યાર સુધી ભાજપ ત્રીજી વખત અસમમાં સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે.
તેવી જ રીતે ભાજપે 2016માં અરુણાચલ પ્રદેશમાં પ્રથમ વખત સરકાર બનાવી હતી, તે વર્ષે જુલાઇમાં કોંગ્રેસના નેતા પેમા ખાંડુએ લાંબા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યું હતું, જોકે સપ્ટેમ્બરમાં પેમા ખાંડુ અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં સામેલ થઇ ગયા હતા તેથી સત્તા પલટાઇ ગઇ હતી અને ભાજપની સરકાર બની ગઇ હતી.
બાદમાં 2018માં ભાજપે ત્રિપુરામાં ડાબેરી મોરચાના દશકો જુના શાસનને ઉખાડી ફેંક્યું, બિપ્લબ કુમાર દેવના નેતૃત્વમાં પોતાની પહેલી સરકાર બનાવી હતી, ભાજપે 2024માં પૂર્વમાં વધુ એક સફળતા પ્રાપ્ત કરી અને ઓડિશામાં બીજુ જનતા દળને હરાવી સરકાર બનાવી. નીતીશ કુમાર બે દસકાથી વધુ સમય બિહારના મુખ્યમંત્રી રહ્યા, જોકે હવે ત્યાં ભાજપના મુખ્યમંત્રી છે. આમ 2014માં ભાજપની સરકાર બની ત્યારથી લઇને અત્યાર સુધી ભાજપે પ્રથમ વખત નવ રાજ્યોમાં સરકાર બનાવી છે. છેલ્લા 12 વર્ષમાં ભાજપે પ્રથમ વખત નવ રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter