જાતિ - પંથ કે ભાષા નહીં ભારતીયતા જ આપણી સાચી ઓળખઃ રાષ્ટ્રપતિ

Tuesday 15th August 2023 17:35 EDT
 
 

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન સંબોધન કરતાં જણાવ્યું હતું કે કોઇ ધર્મ - જાતિ કે ભાષા નહીં, પરંતુ ભારતીયતા જ આપણી સાચી ઓળખ છે.
‘મારા પ્યારા દેશવાસીઓ, દેશના 77મા સ્વતંત્રતા દિવસે આપ સૌને મારી હાર્દિક શુભેચ્છા. આ દિવસ આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે. ચોમેર ઉત્સવનું વાતાવરણ જોઇને મને પ્રસન્નતા થાય છે.' તેમણે કહ્યું કે સ્વતંત્રતા દિવસ આપણને એ વાતની યાદ અપાવે છે કે આપણે એક વ્યક્તિ માત્ર નથી, પરંતુ એવા મહાન સમુદાયનો ભાગ છીએ કે જે સૌથી મોટો અને જીવંત સમુદાય છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિકોનો આ સમુદાય છે. આપણે જાતિ, પંથ, ભાષા અને પ્રદેશ ઉપરાંત આપણા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલી ઓળખ પણ ધરાવીએ છીએ. પરંતુ આપણી એક ઓળખ સૌથી ઉપર છે. તે ઓળખ એટલે ભારત દેશના નાગરિક તરીકેની ઓળખ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશે એક નવું પ્રભાત જોયું હતું. તે દિવસે આપણે વિદેશી શાસનથી આઝાદી મેળવી હતી. આપણે આપણા ભાવિનું નિર્માણ કરવાની આઝાદી મેળવી. આપણે આઝાદ થતાં જ વિદેશી સંસ્થાનવાદીઓ દ્વારા તેમના સંસ્થાનો છોડવાની શરૂઆત થઇ અને સંસ્થાનવાદનો અંત આવ્યો. સ્વતંત્રતા હાંસલ કરવાનું આપણું લક્ષ્ય હતું જ, પરંતુ આપણા સ્વાધીનતા સંગ્રામની તરાહ જરા અનોખી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે મહિલાઓ આજે દેશસેવા ક્ષેત્રે રસપુર્વક યોગદાન આપી રહી છે.
વિશ્વમંચ પર ભારતનું મહત્ત્વનું સ્થાન
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વિકાસ લક્ષ્યો અને માનવી સહયોગને પ્રોત્સાહન આપવા ભારત મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર અગ્રણી સ્થાન મેળવ્યું છે. ભારત જી-20 દેશોનું અધ્યક્ષપદ પણ સંભાળી રહ્યું છે. જી-20 સમૂહ વિશ્વની બે તૃતિયાંશ વસતીનું પ્રતિનિધીત્વ કરે છે. જી-20નું અધ્યક્ષપદ સંભાળતા સંભાળતા ભારત વેપાર અને નાણાકીય મોરચે થઇ રહેલા નિર્ણયોમાં ન્યાયસંગત પ્રગતિ સધાય તે માટે પ્રયાસશીલ છે.
ભારત ત્રીજું મોટું અર્થતંત્ર બનવા ભણી આગેકૂચ કરી રહ્યું છે તેનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની રહ્યું છે. વિશ્વમાં સૌથી તેજ ગતિએ આગળ વધી રહેલા અર્થતંત્રના રૂપમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter