બેંગલૂરુઃ ઇસરોએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાન રોવરે પોતાનું કામ પૂરું કરી લીધું છે. તેને સુરક્ષિત રીતે પાર્ક કરીને સ્લીપ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે. પ્રજ્ઞાનમાં લાગેલા બંને પેલોડ એપીએક્સએસ અને એલઆઇબીએસ હાલમાં નિષ્ક્રિય કરાયા છે. તે પેલોડના માધ્યમથી ચંદ્રસપાટીનો ડેટા લેન્ડરના માધ્યમથી પૃથ્વી સુધી પહોંચાડી દેવાયો છે. પ્રજ્ઞાનની બેટરી પૂરી રીતે ચાર્જ છે. 22 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર જ્યારે ફરી સૂર્યોદય થાય ત્યારે સૂર્યપ્રકાશ સીધો પ્રજ્ઞાનની સૌર પેનલ્સ પર પડે તે રીતે રોવર પાર્ક કરવામાં આવ્યું છે. રિસીવરને ચાલુ રાખવામાં આવ્યું છે. આશા સેવાઇ રહી છે કે 22 સપ્ટેમ્બરના રોજ પ્રજ્ઞાન રોવર ફરી કામ કરતું થઈ જશે.
ચંદ્રયાન-3 મિશન આમ તો 14 દિવસનું જ હતું. ચંદ્ર પર 14 દિવસ રાત અને 14 દિવસ પ્રકાશ રહેતો હોવાથી મિશન 14 દિવસનું જ નક્કી કરવામાં આવ્યું હતું. રોવર અને લેન્ડર સૂર્યપ્રકાશમાં ઊર્જા ઉત્પાદન કરી શકે છે, પરંતુ રાત થતાં પ્રકાશહીન સ્થિતિમાં ઊર્જા ઉત્પાદન પ્રક્રિયા રોકાઇ જાય છે.
ઇસરોના પ્રમુખ એસ. સોમનાથે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર શિવશક્તિ પોઈન્ટથી 100 મીટરનું અંતર કાપ્યું છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંને સારી રીતે કામ કરી રહ્યા છે. બંનેના બધા જ પેલોડ્સ પણ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. જોકે, ચંદ્રની ધરતી દક્ષિણ ધ્રુવ પર અંધારુ છવાઈ જશે. ચંદ્રનો એક દિવસ આથમી જશે અને હવે રાતનો સમય શરૂ થશે, જે આગામી 14-15 દિવસ સુધી રહેશે.
રોવરનો જમ્પ ટેસ્ટ સફળ
ઇસરોએ એક્સ પોસ્ટમાં સોમવારે જાણકારી આપી કે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ઉપર જઇને ફરી સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયોગ પણ સફળતાપૂર્વક પાર પાડ્યો છે. લેન્ડરનો હોપ ટેસ્ટ કે જમ્પ ટેસ્ટ સફળ રહ્યો. તે પ્રયોગ હેઠળ ઇસરોએ આપેલા કમાન્ડ મુજબ લેન્ડરે ફરી એન્જિન ચાલુ કર્યું હતું. તે પછી આશા મુજબ લેન્ડર ચંદ્રસપાટીથી 40 સેમી ઊંચે ઊઠીને 30-40 સેમીના અંતરે ફરી લેન્ડ થયું હતું. એજન્સી આ ટેસ્ટને કિક સ્ટાર્ટ કહી રહી છે. ઇસરોએ જણાવ્યું કે ભવિષ્યમાં લેન્ડર પૃથ્વી પર પાછું ફરે અને માનવ મિશન માટે પણ આ મહત્ત્વનો પ્રયોગ હતો.


