તિરુવનંતપુરમઃ પશ્ચિમ બંગાળ અને અસમમાં ભાજપની શાનદાર જીત માટે કોંગ્રેસ સાંસદ શશી થરુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની ભરપૂર પ્રશંસા કરતાં કહ્યું છે કે મોદી-શાહની જોડીનું ચૂંટણી સંચાલન બહુ જ સારું છે. ભાજપે અસમમાં સત્તાની હેટ્રિક નોંધાવી છે અને બંગાળમાં પહેલીવાર સત્તા મેળવી છે. થરુરે કહ્યું કે મોદી અને અમિત શાહે બંગાળ અને અસમમાં સરસ કામ કર્યું છે. આ મહદ્ અંશે એટલા માટે થઇ શક્યું છે કે તેઓ બંને ચૂંટણીના સંચાલનમાં ખૂબ જ સારા છે. ભાજપ પ્રોફેશનલી ઓર્ગેનાઇઝ્ડ છે. તેની પાસે ઘણું મજબૂત સંગઠન છે. ચૂંટણી અભિયાનમાં તે નાણાકીય સહિત તમામ સંસાધનો કામે લગાડે છે. કોંગ્રેસ સાંસદે ઉમેર્યું હતું કે કેટલીક બાબતો અમે બધા ભાજપ પાસેથી શીખી શકીએ છીએ. અમે એક જ આશા રાખીશું કે તેમનો સંદેશો દેશવાસીઓને જોડનારો હશે, તોડનારો નહીં. હું માનું છું કે કોંગ્રેસ ગહન આત્મચિંતન કરશે તેમાં કોઈ શંકા નથી. અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ અને આજે આપણી સામે કેરળનું બહુ સારું ઉદાહરણ છે કે શું બરાબર રહ્યું? કેરળમાં જો અમે બધું ઠીક કરી શકીએ તો તે જ રીતે અન્ય રાજ્યોમાં તેમ કરવા શું થઇ શકે તે બોધપાઠ કોંગ્રેસે લેવો જોઈએ. ઉલ્લેખનીય છે કે કેરળમાં કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધન યુડીએફને મોટી જીત મળી છે. કોંગ્રેસે રાજ્યની કુલ 140માંથી 63 બેઠકો જીતી છે જ્યારે જૂના સાથી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ને 22 બેઠક મળી છે.


