“ઇન્ડિયા” હવે “ભારત” બનવા તરફ અગ્રેસર

સંસદના આગામી વિશેષ સત્રમાં મોદી સરકાર ઇન્ડિયાનું નામ બદલીને સત્તાવાર રીતે ભારત કરવા ઠરાવ રજૂ કરે તેવી સંભાવના, રાષ્ટ્રપતિ તરફથી મોકલાયેલા જી-20 નિમંત્રણોમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના સ્થાને પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાતાં અટકળોને વેગ મળ્યો

Tuesday 05th September 2023 12:22 EDT
 
 

લંડનઃ ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર આમંત્રિત કરાયું છે ત્યારે અનેક પ્રકારની અટકળો દિલ્હી સહિત સમગ્ર દેશના રાજકીય વતૃળોમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જી-20ના ડીનર માટે અપાયેલી આમંત્રણ પત્રિકામાં સત્તાવાર રીતે લખાતા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના સ્થાને પ્રેસિડેન્ટ ઓફ ભારત લખી મોકલાતાં ઇન્ડિયાનું સત્તાવાર નામ બદલીને ભારત કરવા માટે આ વિશેષ સત્રમાં ઠરાવ પસાર કરાય તેવી સંભાવના છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ સમર્થન આપ્યું છે કે રાષ્ટ્રપતિ દ્વારા પાઠવાયેલા જી-20ના સત્તાવાર આમંત્રણમાં સામાન્ય રીતે લખાતા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના સ્થાને પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે.

ઇન્ડિયાનું સત્તાવાર નામ બદલીને ભારત કરવાના મુદ્દે ભાજપના નેતાઓ ખુલીને સામે આવી ગયાં છે. એક્સ પર એક પોસ્ટમાં આસામના મુખ્યમંત્રી હેમંતા બિશ્વા શર્માએ જણાવ્યું હતું કે, રિપબ્લિક ઓફ ભારત- અમૃતકાળ તરફ આપણી સંસ્કૃતિ પ્રયાણ કરી રહી હોવાની ખુશી અને ગૌરવ છે. કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, આપણો દેશ ભારત છે અનને તે અંગે કોઇ શંકા હોવી જોઇએ નહીં. કોંગ્રેસને દરેક મામલામાં વાંધા પડે છે.

તાજેતરમાં ગુવાહાટી ખાતે સંબોધન કરતાં આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, પૌરાણિક યુગથી ભારત નામ ચાલ્યું આવે છે અને હવે તે વારસાને આગળ ધપાવવાની જરૂર છે. યુગોથી આપણા દેશનું નામ ભારત રહ્યું છે અને ગમે તે ભાષામાં તે ભારત જ કહેવાયો છે.

થોડા સમય પહેલાં સમાપ્ત થયેલા સંસદના ચોમાસુ સત્રમાં ભાજપના સાંસદ નરેશ બંસલે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ઇન્ડિયા નામ સંસ્થાનવાદી ગુલામીનું પ્રતીક છે અને તેને બંધારણમાંથી દૂર કરી દેવું જોઇએ. બ્રિટિશરોએ ભારત નામ બદલીને ઇન્ડિયા કરી નાખ્યું હતું. બંધારણના આર્ટિકલ 1 અંતર્ગત જણાવવામાં આવ્યું છે કે ઇન્ડિયા ભારત છે. હજારો વર્ષથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. પૌરાણિક સંસ્કૃત પાઠોમાં પણ ભારત નામ મળી આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter