ફ્રેડી મર્ક્યુરીના ભારતીય મિનીએચર પેઈન્ટિંગ્સનાં મહામૂલા સંગ્રહનું સોધેબીઝમાં પ્રદર્શન

Tuesday 15th August 2023 03:46 EDT
 
 

 લંડનઃ બ્રિટિશ ગાયક અને ગીતલેખક ફ્રેડી મર્ક્યુરીના ભારતીય લઘુચિત્રોનાં મહામૂલા સંગ્રહ સહિત 1400થી વધુ આઈટમ્સ સોધેબીના લંડનસ્થિત ઓક્શન હાઉસમાં નવતર પ્રદર્શન અને વેચાણ અર્થે મૂકવામાં આવેલ છે. ફ્રેડી મર્ક્યુરીના સંગ્રહમાં 16મી સદીના ભારતીય મિનીએચર પેઈન્ટિંગ્સનો સમાવેશ થાય છે. ‘અકબરનામા’માંથી પસંદ કરાયેલા આ મોગલ ફોલીઓમાં અશ્વ પર સવાર રાજકુમાર સાથે રસાલાનું પેઈન્ટિંગ છે જેની કિંમત 30,000 થી 50,000 પાઉન્ડની વચ્ચે અંદાજાઈ છે. આ આર્ટવર્ક ભારતીય પારસી વંશાવલી સાથે કનેક્શન્સ ધરાવતા ઉજ્જવલ કળાકારના જોશીલા વારસા સાથે પ્રસ્તુત જણાય છે.

ફરોખ બલસારા તરીકે જન્મેલા ફ્રેડી મર્ક્યુરી પારસી પરિવારમાંથી આવે છે જેમના મૂળ પશ્ચિમ ભારતના બુલસાર (હવે વલસાડ) સુધી પહોંચે છે અને ઝોરોસ્ટ્રીઆનિઝમની પર્શિયન આસ્થા સાથે સંકળાયેલા છે. ઝાંઝીબારમાં જન્મ થયો હોવાં છતાં, ફ્રેડી મર્ક્યુરીના પ્રાથમિક વર્ષોનો ઉછેર ભારતમાં થયો હતો. શરૂઆતના વર્ષોમાં તેમને બોમ્બે (મુંબઈ)ની બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવાયા હતા જ્યાં સંગીત અને કળા સાથેનો તેમનો પ્રેમ અને આકર્ષણ છતાં થયા હતા.

વેસ્ટ લંડનમાં તેમના નિવાસસ્થાન ગાર્ડન લોજના ઈન્ટિરિયર પર શોભાયમાન સંખ્યાબંધ કળામય નમૂનાઓમાંથી આ મિનીએચર તો એક ઝલક માત્ર છે. સોધેબીઝ ખાતે પ્રદર્શિત ‘ફ્રેડી મર્ક્યુરીઃ એ વર્લ્ડ ઓફ હિઝ ઓન’ નામના કોમ્પ્લિમેન્ટરી પ્રદર્શન દ્વારા તેમનું આ નિવાસસ્થાન હવે કલારસિક લોકો માટે સુલભ બન્યું છે.

સોધેબીની ન્યૂ બોન્ડ સ્ટ્રીટ એસ્ટાબ્લિશમેન્ટમાં આવેલી 15 ગેલેરીઝમાં દરેકમાં ફ્રેડી મર્ક્યૂરીના જીવનના વિશિષ્ટ પાસાને નિહાળી શકાય છે. પ્રદર્શિત કેટલીક આઈટમ્સ તેના સૌથી આઈકોનિક સ્ટેજ પરફોર્મન્સીસ સાથે સુસંગત જણાય છે જેમકે 1986માં નેબવર્થ ખાતે ક્વીન સાથે તેમની આખરી મુલાકાત, અથવા તો મર્ક્યૂરીના અંતરંગ મિત્રવર્તુળ સિવાય અન્યોને નિહાળવા નહિ મળેલા સંખ્યાબંધ આર્ટિકલ્સના સંગ્રહ ‘મર્ક્યૂરી વિંગ્સ’ના પ્રારંભિક કેટસ્યૂટ્સ.

શાળાના સમયથી કવિતાના ક્ષેત્રમાં પદાર્પણથી માંડી ‘ક્વીન’ના જાણીતા એમ્બ્લેમની તાજેતરમાં જ બહાર આવેલી ડિઝાઈન્સ તેમજ બેન્ડના સૌથી પ્રખ્યાત ગીતોમાંથી ઘણાનાં વર્કિંગ ડ્રાફ્ટ્સ અને વિશ્વનું ધ્યાન આકર્ષિત કરનારા ક્રાંતિકારી કોસ્ચ્યૂમ્સ સુધીની આઈટમ્સ આ પ્રદર્શનમાં નિહાળી શકાશે. આ ઉપરાંત, ફ્રેડી મર્ક્યૂરીએ વિવિધ ઓક્શન્સ અને અગ્રણી ઉત્પાદકો પાસેથી મેળવેલાં અતુલનીય પેઈન્ટિંગ્સ, જાપાનીઝ ડેકોરેટિવ આર્ટ્સ, ગ્લાસવર્ક, ગ્રાફિક ક્રીએશન્સ, સિરામિક્સ, અને કળાનમૂનાઓ થકી અદમ્ય આનંદ પ્રાપ્ત કર્યો હતો તે બધાં પણ અહીં પ્રદર્શિત કરાયા છે.

આ પ્રદર્શનના કેન્દ્રમાં એક વસ્તુ એવી છે જે ફ્રેડી મર્ક્યૂરી માટે ઘણી મહત્ત્વની હતી અને તેના સૌથી અભૂતપૂર્વ કમ્પોઝિશન્સના ઉદ્ભવમાં પાયાની ભૂમિકા ભજવી હતીઃ તેને ઘણો ગમતો યામાહા G2 બેબી ગ્રાન્ડ પિયાનો, જેની અંદાજિત કિંમત 2થી 3 મિલિયન પાઉન્ડ આંકવામાં આવી છે. પ્રખ્યાત બેન્ડ ‘ક્વીન’ના 45 વર્ષની વયે ચિરવિદાય પામેલો ફ્રન્ટમેન જોશીલો સંગ્રાહક હતો અને ત્રણ દાયકા પહેલા તેનું અવસાન થયું ત્યારથી લંડનમાં તેના માનીતા નિવાસસ્થાનને કોઈ ફેરબદલ વિના તેના સૌથી પ્રિય મિત્ર અને પૂર્વ પાર્ટનર મેરી ઓસ્ટિન દ્વારા સંભાળ રખાઈ છે.

તમામ માટે સુલભ અને સપ્તાહના સાતેય દિવસ માટે આ પ્રદર્શનમાં પ્રવેશ નિઃશુલ્ક છે અને ફ્રેડી મર્ક્યૂરીના જન્મદિવસ5 સપ્ટેમ્બરે તે સમાપ્ત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter