‘સોનેરી સંગત’ એ માત્ર એક ચર્ચા નથી પરંતુ યુકે અને વિશ્વભરમાં વસતા ગુજરાતી ડાયસ્પોરાને પોતાની સંસ્કૃતિ - ભાષા અને જ્ઞાન સાથે જોડી રાખતો એક અદભૂત ડિજિટલ સેતુ છે. દર ગુરુવારે ઝૂમ (zoom) મિટિંગ દ્વારા અલગ અલગ વિષયો પર નિષ્ણાતોના વકતવ્યો યોજીને સમાજને માર્ગદર્શન પૂરું પાડવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે.
દર અઠવાડિયે નવો વિષય હોવાથી શ્રોતાઓને એક જ પ્લેટફોર્મ પરથી બહુઆયામી જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ રેકોર્ડિંગ્સ ભવિષ્યની પેઢી માટે અને રેફરન્સ માટે કાયમ માટે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ રહે છે. વળી, ઝૂમ મિટિંગમાં લાઈવ ન જોડાઈ શકનારા લોકો પોતાના ફ્રી સમયે યુટ્યુબ પર આખો કાર્યક્રમ જોઈ શકે છે. વિશ્વભરના ગુજરાતીઓ લાભ લઈ શકે છે.
વિદેશની ધરતી પર ગુજરાતી ભાષામાં આવા ઉચ્ચ સ્તરીય કાર્યક્રમો થવાથી નવી પેઢી અને પ્રવાસીઓમાં ભાષા પ્રત્યે ગૌરવ વધે છે. ડાયસ્પોરાના લોકો એકઠાં થઈ વિચારોનું આદાનપ્રદાન કરે છે જેનાથી સામાજિક એકતા મજબૂત બને છે.
વિદેશમાં વસતા ઘણા વડીલો એકલતા અનુભવતા હોય છે. દર ગુરુવારે આ કાર્યક્રમમાં જોડાવાથી તેમને એક વર્ચ્યુઅલ પરિવાર મળે છે જે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. દર્શકો પોતાના પ્રશ્નો નિષ્ણાતોને પૂછીને ત્વરિત ઉકેલ મેળવી શકે છે. જોકે ઘણીવાર ટેકનોલોજી ન આવડતી હોય તેવા વડીલો માટે અસુવિધારૂપ બને છે. અલગ અલગ દેશો વચ્ચે સમયનો તફાવત – ઈન્ટરનેટની ખામીને કારણે ઓડિયો - વીડિયોમાં અડચણ – મર્યાદાઓ હોવા છતાં નિષ્ણાતોનું માર્ગદર્શન અને વૈશ્વિક જોડાણ ખૂબ જ કિંમતી અને લાંબાગાળાના છે. વિદેશની ધરતી પર આવું પ્લેટફોર્મ ચલાવવું એ સામાજિક જવાબદારીનું મોટું કામ છે.
અલબત્ત, આ રસપ્રદ - માહિતીસભર કાર્યક્રમને વધુ લોકભોગ્ય બનાવવા મારા કેટલાક નમ્ર સૂચન છે. જેમ કે,
• ટેક્નોલોજીના જાણકાર ન હોય તેવા વડીલોની સરળતા અને માર્ગદર્શન માટે, ઝૂમ મિટિંગમાં કેવી રીતે જોડાવું તેની ગાઈડ ગુજરાતીમાં વારંવાર શેર કરવી જોઇએ જેથી દરેક વડીલો આસાનીથી જોડાઈ શકે.
• જે લોકો કાર્યક્રમના સમયે લાઈવ નથી જોડાઈ શકતા એ લોકો યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં પોતાના પ્રશ્નો લખી શકે અને એના જવાબ આપી શકે એવી વ્યવસ્થા ગોઠવી શકાય.
• આપણી ભાષા-સંસ્કૃતિનું જતન કરતા ‘સોનેરી સંગત’ના આ બહુઉપયોગી ઝૂમ ઇવેન્ટમાં યુવા પેઢી પણ જોડાય તે માટે અંગ્રેજીમાં પણ પ્રશ્નોત્તરી થવી જોઈએ.


