મેમરી લોસ હંમેશાં વૃદ્ધત્વની જ નિશાની હોય એવું નથી. અલ્ઝાઇમર્સમાં સાવ જ ભૂલી જવાય છે એ અને વયની સાથે વધતું જતું ભુલકણાપણું એ બે જુદાં છે. માર્કેટમાંથી કઈ-કઈ ચીજો લાવવાની છે એ બરાબર યાદ રાખેલું છતાં બે-ચાર ચીજો લાવવાની ભુલાઈ જાય એ સહજ છે. ગેસ પર કુકર મૂકીને ભૂલી જાઓ અને સીટી વાગે એટલે દોડીને રસોડામાં જવું પડે એવું પણ બની શકે છે, પરંતુ સીટી વાગ્યા પછી જો તમને આશ્ચર્ય થાય કે આ કુકર કોણે મૂક્યું તો એ ચિંતાજનક છે.
જેમ ઉંમર થતી જાય એમ શરીર ઘસાય છે. અન્ય અવયવોની સાથે મગજની કામગીરીમાં પણ ખલેલ પડવા લાગે છે. વય વધવાની સાથે વિચારશક્તિ ધીમી પડે છે અને ચીજો યાદ રાખવામાં તકલીફ પડે છે એ વૃદ્ધત્વનું સામાન્ય લક્ષણ છે, પરંતુ પોતાના જીવનમાં એકાદ-બે દિવસ પહેલાં જ બનેલી ઘટનાઓ યાદ ન રહે અને નાની-નાની બાબતે મૂંઝવણ થાય એ ગંભીર લક્ષણો છે.
• અલ્ઝાઇમર્સ શું છે?ઃ આ એક બ્રેઇન-ડિસઓર્ડર છે. સ્લો પોઇઝનની જેમ એ લાંબા ગાળે ઘાતક સાબિત થાય છે. આપણા મગજમાં સો કરોડથીયે વધુ ચેતાતંતુઓ આવેલા છે. બધા કોષો વચ્ચે એક ખાસ પ્રકારનું કમ્યુનિકેશન નેટવર્ક બનેલું હોય છે. આ કોષો વચ્ચેના કમ્યુનિકેશનને કારણે વ્યક્તિ વિચારી શકે છે, શીખી શકે છે, માહિતીનો સંગ્રહ કરે છે, આપણા શરીરને જોવા, સાંભળવા, સૂંઘવા, હાલવા-ચાલવા જેવી તમામ ક્રિયાઓનું સંચાલન થઈ શકે છે.
મગજના કોષો જરૂર પડ્યે સંગ્રહાયેલી માહિતી વાપરે છે. અલ્ઝાઇમર્સ ડિસીઝમાં મગજના ચેતાતુંઓ ડેમેજ થવાનું શરૂ થવાથી કમ્યુનિકેશન નેટવર્ક ખોરવાય છે. નેટવર્કિગમાં ગરબડ થવાને કારણે શરૂઆતમાં માનસિક ક્ષમતાઓ પર અને પછી શરીરની તમામ ક્રિયાઓ પરનું નિયંત્રણ છૂટવા લાગે છે. જેમ-જેમ ચેતાકોષો વધુને વધુ ડેમેજ થતા જાય છે એમ-એમ આ લક્ષણો વધતાં જાય છે.
• બીમારી ક્યારે શોધાઇ?ઃ 1906માં એલોઇસ અલ્ઝાઇમર નામના જર્મન સાઇકિયાટ્રિસ્ટે મગજના કોષો સતત મરતા જતા હોય એવી આ કન્ડિશનની શોધ કરી હોવાથી આ રોગનું નામ પણ સાઇકિયાટ્રિસ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ રોગ વિશે ખાસ જાગૃતિ નહોતી, પરંતુ છેલ્લા બે દાયકાથી આ રોગનો ભરડો ખૂબ વધી જતાં એના વિશેની જાગૃતિ જરૂરી બની છે.
2006માં દુનિયામાં 2 કરોડ અને 66 લાખ લોકો અલ્ઝાઇમર્સથી પીડાતા હોવાનું નોંધાયું હતું. પહેલાં એવું મનાતું હતું કે 65 વર્ષથી મોટી વયના લોકોમાં પણ આ રોગનાં લક્ષણો દેખાય છે, પરંતુ હવે 50 વર્ષે પણ અલ્ઝાઇમર્સનાં અત્યંત ગંભીર લક્ષણો જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કરેલા સર્વે પરથી એક અનુમાન લગાવ્યું છે કે 2050ની સાલ સુધીમાં દુનિયામાં દર 85 વ્યક્તિમાંથી એકને આ ડિસીઝની અસર થશે.
• શહેરોમાં ખતરો બમણોઃ આ ખૂબ જ ખતરાજનક છે અને એટલે જ મોડર્ન સાયન્સ અલ્ઝાઇમર્સ ડિસીઝનાં મૂળિયાં સુધી પહોંચીને એનું પ્રિવેન્શન શોધવાની કોશિશ કરે છે, પણ હજી સુધી એમાં પૂરી સફળતા નથી મળી.
ભારત અને આફ્રિકામાં કરેલા સર્વે પછી એવું તારણ નીકળ્યું છે કે ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરોમાં અલ્ઝાઇમર્સ ધરાવતા લોકોની સંખ્યા બમણી છે. આ સ્મૃતિદોષની શરૂઆત કેવી રીતે થાય છે એ શોધવા માટે અનેક સંશોધનો પછીયે હજી સફળતા હાથ નથી લાગી. કોને આ તકલીફ થવાનું રિસ્ક વધારે છે એવું પણ કંઈ હજી સ્પષ્ટ થયું નથી.
• સારવારમાં કાળજીઃ અલ્ઝાઇમર્સ ડિસીઝમાં શાતા આપનારી એક બાબત એ છે કે સાયન્ટિસ્ટોને આ રોગની ગતિ ધીમી કરવાની ચાવી હાથ લાગી છે. મગજના કોષોનું ડીજનરેશન થવાનું શક્ય એટલું ધીમું પડે એ માટેની દવાઓ છે. સામાન્ય રીતે પાંચથી આઠ વર્ષમાં રોગ ઘાતક બનતો હતો એને બદલે હવે 15થી 20 વર્ષ સુધી વચગાળાના સમયને બને એટલો લંબાવી શકાય છે.
આ રોગનું નિવારણ પણ નથી અને સારવાર પણ નથી એટલે આ રોગ જેટલો બને એટલો વહેલો ડિટેક્ટ થઈ જાય તો મગજના કોષોને એટલું ઓછું ડેમેજ પહોંચે છે. હંમેશા યાદ રાખો કે મગજના કોષોનું ડીજનરેશન કોઈ પણ વ્યક્તિ પર ત્રાટકી શકે છે.
અલ્ઝાઇમર્સનાં 10 પ્રારંભિક લક્ષણો
1) રોજિંદા જીવનમાં મેમરી લોસઃ આ સૌથી કોમન લક્ષણ છે. ખાસ કરીને બે-ચાર દિવસમાં જ બનેલી ઘટના, ચીજો કે વાત યાદ નથી રહેતી. એકની એક ઇન્ફર્મેશન વારંવાર પૂછ્યા પછીયે એ મગજમાં રજિસ્ટર નથી થતી. ઘણી વાર સંપૂર્ણ સ્મૃતિ જ ભૂંસાઈ જાય. અઠવાડિયા પહેલાં તમે બહેનપણીના દીકરીનાં લગ્નમાં ગયેલા, પણ તમે એ લગ્નમાં ખરેખર ગયા હતા કે નહીં એ ભુલાઈ જાય.
• વૃદ્ધત્વની નિશાનીઃ તારીખ કે અપોઇન્ટમેન્ટ ભુલાઈ જાય, ઘટના ભુલાઈ જાય; પણ જો તમને યાદ કરાવવામાં આવે તો તરત યાદ આવી જાય.
2) આયોજન અને સમસ્યામાં તકલીફઃ પ્લાનિંગ કરવાની અને પ્લાનિંગ મુજબ કરવાની ક્ષમતા ઘટી જાય. ખાસ કરીને આંકડા સાથે સંકળાયેલી બાબતમાં તકલીફ પડે. દર મહિનાનાં બિલો ભરવામાં ગોટાળો થાય. આ જ કામ પહેલાં ખૂબ જ ઝડપથી અને સરળતાથી કરી શકતી વ્યક્તિઓને અચાનક જ તકલીફ થવા લાગે.
• વૃદ્ધત્વની નિશાનીઃ મહિનામાં એકાદ બિલ ભરવાનું ભુલાઈ જાય.
3) ઘરનાં રોજિંદાં કામોમાં તકલીફઃ પહેલાં તમે રોજ રસોઈ બનાવતા હતા, પણ હવે રસોઈ બનાવતી વખતે સવાલ થાય કે દાલફ્રાયમાં ખાંડ નખાય કે નહીં? તમારા ઘરનો રસ્તો ઓળખવામાં અવારનવાર ભૂલ થાય. જે રમતના તમે ચેમ્પિયન હતા એવી રમતના નિયમો યાદ ન રહે.
• વૃદ્ધત્વની નિશાનીઃ નવી-નવી ચીજ શીખ્યા હો અને યાદ રાખવામાં તકલીફ પડે.
4) સમય અને સ્થળમાં ગોટાળોઃ તારીખો યાદ ન રહે. પોતે ક્યાં છે અને અહીં કેવી રીતે આવ્યા એ તેમને ન સમજાય. ઘણી વાર ઊંઘમાંથી ઊઠીને પોતાના જ ઘરને ન ઓળખી શકે.
• વૃદ્ધત્વની નિશાનીઃ વાર અને તારીખ બરાબર યાદ ન રહે, પણ કેલેન્ડર જોતાં ટ્રેક મળી જાય.
5) વિઝનમાં પ્રોબ્લેમઃ વાંચવામાં કલર ઓળખવામાં અને બે ચીજો વચ્ચેનું અંતર પારખવામાં તકલીફ પડે. ડ્રાઇવિંગ દરમિયાન સામેની ચીજ અને કાર વચ્ચેનું અંતર માપવામાં થાપ ખવાય. અરીસા પાસેથી પસાર થાય અને પોતાની જ ઇમેજ જોઈને તેને લાગે કે રૂમમાં બીજું કોઈક છે.
• વૃદ્ધત્વની નિશાનીઃ દૃષ્ટિ ઝાંખી થવાની સાથે જોવામાં તકલીફ પડે, ઓળખવામાં નહીં.
6) બોલવામાં કે લખવામાં તકલીફઃ વાત કરતાં-કરતાં ભૂલી જાય કે પોતે કઈ વાત કરતા હતા. બોલતી વખતે ભળતા જ શબ્દો બોલે, જેમ કે, હાથરૂમાલને ટુવાલ અને ઓઢણીને ચાદર કહે. આસપાસની ચીજોને ભળતા જ નામે ઓળખે. બોલતી વખતે પહેલો અક્ષર ખૂબ લંબાય.
• વૃદ્ધત્વની નિશાનીઃ વાત કરતી વખતે યોગ્ય શબ્દ ન જડે.
7) ખોવાયેલી ચીજો યાદ ન આવેઃ દરેક ચીજની યોગ્ય જગ્યા હોય એ ભુલાઈ જાય. જેમ કે, તકિયો બાથરૂમમાં મૂકી આવે કે પછી ડાઇનિંગ ટેબલ પર પગલુછણિયું. વારંવાર ચીજો આડીઅવળી મૂકી દેવાની આદતને કારણે ચીજો ખોવાઈ જાય. જોકે એ ખોવાયેલી ચીજો પછી મળે તો એને ઓળખી ન શકે.
• વૃદ્ધત્વની નિશાનીઃ કોઈ ચીજ ટેક્સી કે રિક્ષામાં ભુલાઈ જાય એ સહજ છે.
8) નિર્ણાયાત્મક શક્તિ ઘટી જાયઃ ચાલતાં-ચાલતાં અથડાઈ પડે. કોઈપણ નિર્ણય લેવાનો હોય તો જાતે ન લે અને જો જાતે નિર્ણય લે તો ખોટો પડે. શું કરવું અને શું નહીં એ બાબતે કન્ફ્યુઝન અનુભવે.
• વૃદ્ધત્વની નિશાનીઃ ક્યારેક નિર્ણય ખોટો પડે.
9) કામ કે સોશ્યલ એક્ટિવિટીમાં રસ ન પડેઃ નાહવા-ધોવાનું, સ્વચ્છ રહેવાનું, કપડાં પહેરવાનું જેવાં કામોમાં રસ ન પડે. લોકોમાં ભળવાની ઇચ્છા ન થાય. અજાણ્યા લોકોને જોઈને ચૂપ થઈ જાય અને અંદર જતા રહે.
• વૃદ્ધત્વની નિશાનીઃ ક્યારેક રૂટીન ક્રિયાઓમાંથી છૂટ લેવાનું મન થાય.
10) મૂડ અને પર્સનાલિટીમાં ચેન્જ આવેઃ અચાનક જ મૂડમાં ધરખમ પરિવર્તનો આવે. થોડીક વાર ખુશ હોય તો અચાનક ડર, ગુસ્સો અને ડિપ્રેશન અનુભવવા લાગે. કામ કરતી વખતે તે લોકોની સાથે વારંવાર અપસેટ થઈ જાય.
• વૃદ્ધત્વની નિશાનીઃ જો રૂટીન બગડે તો અકળામણ અનુભવાય. એકલવાયાપણું લાગે.


