શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગિસ કુરિયનનો જન્મદિવસ ઇન્ટરનેટ ક્ષેત્રની વિશાળ કંપની ગૂગલે પણ ૨૬મી નવેમ્બરે ઉજવ્યો હતો. કંપનીએ પોતાના ભારતના પેજ ઉપર ડો. કુરિયનનું ખાસ ડૂડલ બનાવ્યું હતું. ડૂડલમાં ‘મિલ્કમેન ઓફ ઇન્ડિયા’ને દૂધના કેન સાથે હતા અને ભેંસ તેમની સામે જોઈ રહી હોય તેવું દર્શાવાયું હતું. ગત વર્ષે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે તેના સંલગ્ન ફેડરેશનને કુરિયનના જન્મદિવસને રાષ્ટ્રીય દુગ્ધ દિન ઉજવવા
માટે જણાવ્યું હતું. તેમણે દેશને દૂધની અછતમાંથી વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બનાવી દીધો હતો.
• દવાના નામે દારૂની પરમિટઃ ગુજરાતમાં ૧૯૬૦થી દારૂબંધી છે. દારૂ ન વેચવાના બદલામાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને દર વર્ષે રૂ. ૧૦૦ કરોડ આપે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂનો વેપાર વાર્ષિક અંદાજે રૂ. ૩૦૦ કરોડ કરતાં વધારે છે. સરકારી રેકોર્ડ અનુસાર સમગ્ર ગુજરાતમાં ૬૧,૫૩૫ જ્યારે અમદાવાદમાં ૧૨,૮૦૦ લોકો પાસે દારૂ પીવાની પરમિટ છે. આ પરમિટ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ વિભાગ આપે છે. તેમ દર્શાવાય છે કે દારૂએ લોકો માટે દવા સમાન છે એટલે કે કોઈએ દારૂ ખરીદીને પીવો હોય તો એમડી ડોક્ટરનું પ્રમાણપત્ર લેવાનું રહેશે. જેમાં ડોક્ટર દર્શાવશે કે સંબંધિત વ્યક્તિની માનસિક અને શારીરિક સ્થિતિ એવી છે કે તેમના માટે દારૂ પીવો ખૂબ જ જરૂરી છે.
• નકલી પાસપોર્ટથી યુએસ ગયેલાં વૃદ્ધની તપાસઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાજેતરમાં અમેરિકાથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી ઉતરેલા ૬૭ વર્ષીય ભક્તિભાઈ અંબારામ પટેલને એરપોર્ટ ઓથોરિટીએ નકલી પાસપોર્ટના આધારે મુસાફરી કરવાના ગુનામાં ઝડપી સરદારનગર પોલીસને હવાલે કર્યાં છે. પોલીસ પૂછપરછમાં પટેલે કબૂલ્યું હતું કે, તેઓ ૨૦૦૨ની સાલમાં હમશકલના પાસપોર્ટના આધારે અમેરિકા ગયા હતા.
• મેટ્રોની લોન પેટે જપાન રૂ. ૫,૯૬૮ ફાળવશેઃ અમદાવાદના મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે ભારત સરકાર, જપાન ઈન્ટરનેશનલ કોઓપરેટિવ એજન્સી - જાયકા અને ગુજરાત સરકારની મેટ્રોલિંગ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ - મેગા કંપની વચ્ચે દિલ્હીમાં ૨૭મી નવેમ્બરે કરાર સંપન્ન થયા હતા. આથી હવે અમદાવાદના મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે જાયકા માર્ચ ૨૦૧૬ પછી રૂ. ૫,૯૬૮ કરોડની લોનના હપ્તા છુટ્ટા કરશે.